પ્રેમ તળી વેલના આપણ બે ડાળા

 

પ્રેમ તળી વેલના આપણ બે ડાળા

ડૉ.ગોપાલપટેલ

 

એ બંનેનો જોડામેળ બેસે એવું દેખીતું એકે કારણ હતું જ નહિ. હર્ષિદા રાધા જેવી ઉજળે વાન હતી અને હર્ષને શ્યામવર્ણનો કહેવો જરા ઓછું પડે, કારણ એ સંપૂર્ણ કૃષ્ણવર્ણનો. ગમા-અણગમાની વાત કરો તો તે બંને સન્મુખથી વિમુખ બની જાય. બંનેના વિચારો તો દોરડાખેંચની રમત જ રમ્યા કરે. કારણો તો બધા જ અપાકર્ષણના જ હતા, કિંતુ એક કારણ એમના માટે આકર્ષણનું બની રહ્યું – બંનેના ભીતરમાં રહેલી ચિત્રકળા. હર્ષને પેન્સિલની હાથ-ફાવટ હતી. પેન્સિલથી દોરેલી રેખાઓ દ્વારા કોઇપણ દૃશ્ય કે વ્યક્તિને તે આબેહૂબ કાગળ ઉપર જીવંત કરી દે,રંગો વગર. અને હર્ષિદાને કોઇપણ રંગ આપો, પીંછી ફેરવે અને નિર્જીવ કાગળ જીવંત થઈ જાય, રેખાઓ વગર.

કળાના પેટાવિભાગોથી બંને વિભાજીત. કિંતુ,‘હું તુજમાં, તું મુજમાં– આ કળા વિકસિત થઇ અને બંને અવિભાજ્ય બન્યા;કૃષ્ણ-રાધાની જેમ. સ્વ-અર્પણથી કૃષ્ણમાં વિલય પામેલી રાધાનું નામ પ્રથમ લેવાય – રાધાકૃષ્ણ, એમ હર્ષિદાએ પોતાનું અસ્તિત્વ હર્ષમાં એવું તો સમર્પિતકરી દીધું કે એ જોડી હર્ષિદા-હર્ષના નામે સુવિખ્યાત થઈ.

મન દ્વારા રચાયેલી કલ્પનાઓને હર્ષ પેન્સિલ વડે કેન્વાસ પર રેખાચિત્ર સ્વરુપે ઉતારે, તેમાં હર્ષિદા રંગોની પુરવણી કરે. અને પછી જે કૃતિ તૈયાર થતી તેની સામે લોકો કલાકોના કલાકો જોયા જ કરતા. જોનાર પોતે પોતાનામાં ડૂબી જતો કે રેખા-રંગોના વિશ્વમાં ખોવાઇ જતો એ ખબર જ ન પડતી. કળાનો જાણકાર એમની કૃતિને જોઇને કહેતો કે,‘ઓહ, કેટલું ઊંડાણ છે આમાં! એમ એ ચિત્રમાં છૂપાયેલા અર્થને શોધવામાં ગરકાવ થઈ જતો. કળાને ન જાણનારો એમની કૃતિને જોઇને કહેતો કે,‘અરે!આ ચિત્ર હું કલાકોથી જોઊં છું પણ એ શું કહેવા માંગે છે તે ખબર જ નથી પડતી !! એમ એ પણ મોતીમળવાની આશાએ ચિત્રના ઊંડાણમાં ડૂબકી લગાવતા.

હર્ષિદા-હર્ષના paintings નું જો ક્યાંક exhibition હોય તો મુલાકાતીઓની મુલાકાતનું એડવાન્સમાં બુકિંગ થઇ જતું. Exhibition માંથી બહાર નીકળનાર પ્રત્યેકના ચહેરા પર એક અહોભાવની રેખાઓ અંકાયેલી જોવા મળતી કે અમને હર્ષિદા-હર્ષના paintings જોવાનો મોકો મળ્યો.

હર્ષિદા-હર્ષના paintings નીauction માં બોલી બોલાતી તો એક એક paintings ની કિંમત લાખોમાં થતી. હર્ષિદા અને હર્ષ સ્થળ ઉપર જ એ paintings ઉપર એક સાથે સહી કરીને ખરીદનારને સુપ્રત કરતા. દીવાનખાનાની દીવાલ ઉપર એ paintings લાગતુંઅને આખું દીવાનખાનું જીવંત થઇ વ્યક્તિ સાથે બોલવા લાગતું. એ paintings ની નીચે એક નાની ફોટોફ્રેમ લટકતી હોય જેમાં હર્ષિદા-હર્ષ ખરીદનારને આ paintingsસોંપે છે તેવો ફોટો હોય. paintings માં થયેલી હર્ષિદા-હર્ષની સહી અને આ ફોટોફ્રેમ - ખરીદનારના સ્ટેટસનો ગ્રાફ ઊંચો લઈ જતા.

વ્યક્તિગત કળા વ્યક્તિમત્વ ભૂલીને એકમેકના વ્યક્તિત્વમાં ભળી ગઈ અને હર્ષિદા-હર્ષના જીવનચિત્રમાં આનંદની રેલમછેલ થઈ.

કળાની માત્ર અને માત્ર નિષ્મનિષ અભિવ્યક્તિ હોય ત્યારે કલાકાર જીવનની પ્રત્યેક ક્ષણને માણી લે. કિંતુ યશપ્રાપ્તિ કે cashપ્રાપ્તિની બિંદુમાત્રઅપેક્ષિત ભાવના થઈ કે તેનામાં પડેલું બુદ્ધિનું તત્વ તેને સમાજની આટીઘૂંટીમાં બાંધી દે.

સમાજને બેધારું બોલવાની ટેવ.સામાજિક બુદ્ધિ વ્યક્તિગત મનને હંમેશા મારવાનો પ્રયત્ન કરે.  વ્યક્તિગત ગમો-અણગમો, યશ-અપયશ એકમેકમાં ભેળવી જીવનને માણી રહેલા હર્ષિદા-હર્ષના જીવનમાં વિત્તનેત્રી સમાજે એક બુદ્ધિગમ્ય વિચારનું એક ટીપું નાખ્યું, અને સ્નેહના વહેતા કલકલ ઝરણામાં વિક્ષેપ પડ્યો.

હર્ષ, તું જે પેન્સિલ-વર્ક કરે છે તે જ અદ્દ્ભુત છે. હર્ષિદાના રંગોને તારી રેખાઓનું જો બંધારણ ન મળે તો તેના રંગો તો ફોગટમાં વહી જાય. કેન્વાસ પર પ્રથમ તારા હાથની કમાલ ચાલે છે. રંગોવગર પણ તારા બનાવેલ paintings ની કંઇ ઓછી કિંમત ના આવે.  હર્ષના નિર્દોષ મનના કેન્વાસ ઉપર સામાજિક બુદ્ધિરૂપી પેન્સિલની એક સ્વાર્થી રેખા અંકિત થઈ.

હર્ષ હવે સ્વહસ્તની કારીગરીના રેખાચિત્રો બનાવવા લાગ્યો. હર્ષિદાને તેમાં રંગોપુરવા કહેતો નહિ. સ્ત્રી જ્યારે પુરુષને સમર્પિત થાય ત્યારે જેમ પોતાનું મન પુરુષને આપી દે તેમ પુરુષનું મન સ્ત્રી પોતે લઈ લે. હર્ષિદાએ હર્ષના મનમાં ઉગેલા કાંટાળા બાવળનો ડંખ અનુભવ્યો.

તારા સ્વહસ્તે દોરેલા રેખાચિત્રોનું exhibition કર, જો જે એક-એક paintings લાખો-કરોડોમાં વેંચાશે. સમાજે હવા ભરી અને હર્ષનો અહમનો ફુગ્ગો ફૂલ્યો.

“હર્ષના રેખાચિત્રો”ના નામે exhibition ખુલ્યું.

એકલા હર્ષના જરેખાચિત્રો કેમ?’– આવી કૂતુહલતાથી અને હર્ષિદા-હર્ષ બંને વચ્ચે કંઇક થયું લાગે છે – આવી જુગુપ્સાથી ઘણા લોકોએ exhibition ની મુલાકાત લીધી. કલા સાથે થોડો-ઘણો સંબંધ ધરાવતા લોકોએ તો પ્રત્યેક painting જોવા માંડ બે-પાંચ મિનિટ જ આપી. કિંતુ કલા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવનારાઓ પણ એ paintings માં ડૂબી ન શક્યા અને ડચકારો કરી બહાર નીકળી ગયા. બધાના ઉદ્ગારો સરખા જ નીકળતા હતા કે,‘રેખાચિત્રો છે તો સુંદર પણ એમાં કંઇક ખૂટે છે’.‘જે શોધવા મથીએ છીએ તે મળતું નથી’.‘રેખાઓબુદ્ધિના તારને હલાવે છે, પણ મનના તારને ઝંકૃત નથી કરતા.

અહમની હવાથી ફુગ્ગો ફૂલ્યો ખરો પણ હર્ષ તેને હવામાં ચગાવી ન શક્યો. exhibition ની મોડી રાત્રે તે ઘરે પહોંચ્યો. અવગણના કર્યાના ભારથી તેની પાંપળો આંખો પરથી ઊંચી થઈ શકતી ન હતી. સફળતાના શિખર સુધી એકલા પહોંચી જઈ યશ ભેગો કરી લેવાની અધીરાઇ કરી ચૂકેલા એના પગ અત્યારે માંડ માંડ ઊંબરા પર મંડાતા હતા. ડ્રોઇંગરૂમના સોફા ઉપર હર્ષિદા બેઠેલી હતી. તેની સાથે આંખો મિલાવવાની હર્ષમાં હિમંત ન હતી. ખભે ભરાવેલી બેગ કોફી ટેબલ પર પછડાટ સાથે મૂકી સામેના સોફા પર તે બેઠો. રોજે જે ડ્રોઇંગરૂમ હસી-મજાક-મસ્તીથી ભરેલો રહેતો, તે આજે નિ:શબ્દ હતો, નિ:શ્વસિત હતો.

તીણા અવાજ સાથે થોડીવાર બાદ હર્ષિદાએ મૌન તોડ્યું, “હર્ષ, આજના exhibition માં મૂકેલા તારા બધા paintings આવતીકાલે સવારે મને આપણા આર્ટરૂમમાં જોઇએ.” હર્ષ કંઇ બોલે તે પહેલા હર્ષિદા બેડરૂમમાં ચાલી ગઈ. વેંચાયાન હતા માટે એ paintings આમેય exhibition હોલમાંથી લેવડાવાના જ હતા. હર્ષે રાતોરાત paintings ઘરે મંગાવી આર્ટરૂમમાં મૂકાવી દીધા.

સવારે આઠેક વાગે હર્ષ ઉઠ્યો ત્યારે ખબર પડી કે હર્ષિદા બેડરૂમમાં નથી. તપાસ કરતા ખબર પડી કે તે તો વહેલી સવારથી આર્ટરૂમનો દરવાજો બંધ કરીને અંદર પુરાયેલી છે. અને દરવાજાના હેંડલ પર ‘Don’t disturb me’ લટકતું હતું. હર્ષની હિમંત ન થઈ દરવાજો ખટખટાવવાની. છેક સંધ્યા ઢળવાના સમયે હર્ષિદા આર્ટરૂમમાંથી બહાર આવી અને દરવાજાને લોક કરી દીધું.

બીજે દિવસે સવારે સમાચાર પત્ર વાંચીરહેલી હર્ષની આંખો પહોળી થઈ ગઈ. તેને જાહેરાત વાંચવા  મળી હતી હર્ષિદાના રંગચિત્રોના exhibition ની. સ્થળ હર્ષે કરેલા exhibition વાળુંજ હતું. હર્ષ મનોમન સમસમી ગયો. પણ એકલા યશ ખાટી લેવાનું પગલું ભરવાની શરૂઆત તો તેણે જ કરી હતી. તે હર્ષિદા સામે વાંધો ઉઠાવી ન શક્યો.

exhibition ની પૂર્વ તૈયારી સ્વરુપે આગલી રાત્રે હોલનો સ્ટાફ paintings ને દીવાલો પર ગોઠવવા paintings ને બોક્ષમાંથી કાઢવા લાગ્યા. paintings ગોઠવતા સ્ટાફના સભ્યોમાં ચર્ચા થવા લાગી,‘અરે આ તો હર્ષે જે છેલ્લું exhibition કર્યુ હતું તેમાં જે paintings હતા તે જ paintings છે. પણ હર્ષિદા ત્યાં હાજર હતી એટલે વધુ ગળગળાટ ના થયો. બધા જ paintings દિવાલો પર લાગી ગયા. હર્ષને ફોન દ્વારા સ્ટાફના કોઇ સભ્યે આ સમાચાર પહોંચાડી દીધા. હર્ષ કંઇ સમજી ન શક્યોકે શું થઈ રહ્યું છે?

હર્ષિદા અને હર્ષ હવે સામસામે આવી ગયા છે, જોવા જેવી થશે– સળગેલા સંબંધોનો અગ્નિ કેટલોક ભડક્યો હશે એનો તાગ મેળવવા અનેક લોકો આ exhibition ની મુલાકાતે ઉપડ્યા. કલાના જાણનારા અને ન જાણનારા પણ.

દરેક paintings ની સામે મુલાકાતી કલાકો સુધી ઊભા રહેતા, ચિત્રમાં ડૂબી જતા, કંઇક શોધ્યા કરતા અને જાણે કંઇકનવોજ અર્થ પ્રાપ્ત થયો હોય તેમ પ્રસન્નવદન બની જતા. વાહ વાહ રૂપી શબ્દોમાં શાબાશી મૂકીને હર્ષિદા પર અભિનંદનની વર્ષા કરી રહ્યા. ઓક્સનમાં એક પછી એક બધા paintings ની લાખોમાં બોલી બોલાઇ.

હર્ષિદાની આ પ્રસિદ્ધિ મોબાઇલના ટાવરમાંથી વહેતી થઈ હર્ષના કાન સુધી પહોંચી. ઘૂંઘવાયેલો હર્ષ સમાચારના વેગે હોલ ઉપર પહોંચ્યો. ચિત્રો જોઇને પોતે શૂન્યશબ્દ બની રહ્યો અને તેની આંખો નિમિષ બનીને જોઇ રહી હતી કે, હર્ષિદાએ હર્ષે દોરેલા રેખાચિત્રોને પોતાની પીંછીના રંગો દ્વારા સ્પર્શસુદ્ધા નહોતો કર્યો. કિંતુ પ્રત્યેક ચિત્રની નીચે તેણે લખી દીધું હતું, “હર્ષની રેખાઓમાં છૂપાયેલા હર્ષિદાના રંગોનું ચિત્ર.” અને હર્ષની કરેલી સહી આગળ તેણે પોતાની સહી કરી દીધી હતી. અહમનું પડળ તોડી સમજણ ખીલી ઉઠી અને દોડીને હર્ષે હર્ષિદાનો હાથ પકડી લીધો. આંખોમાંથી સરી રહેલા આંસુ ગુન્હો થયાની કબૂલાત કરી રહ્યાં.

હર્ષ દેવાવાળી હર્ષિદાએ હર્ષના માથાને ખભો દીધો અને હર્ષના માથાના વાળમાં સ્નેહભર્યો હાથ ફેરવતા બોલી, પુરુષનો અહમ એકલો જ જો રેખાઓ દોરવા લાગે તો જીવનમાં માત્ર કાળાશના લીસોટા જ રહે. કિંતુ, ભલે ન દેખાય પણ સ્ત્રીના સમર્પણના રંગો જો પુરાયેલા હોય તો જ જીવન રંગીન બને. હર્ષની રેખાઓને હર્ષિદાના રંગોની પુરવણી જોઇએ અને હર્ષિદાના રંગોને હર્ષની રેખાઓનું બંધારણ જોઇએ. તો જ હર્ષિદા-હર્ષના ચિત્રો સફળ બને.

પ્રેમ તણી વેલના આપણ બે ડાળા

કાંટાળી વાડે પાડ્યા આપણ બે વાડા

આ તરફ કે તે તરફ ખીલશે જે ફૂલ

મૂળે સિંચાયેલું હશે એક જ થડ ને મૂળ

હેત જ રેડજે કે, સૂકેલા પાંદડા મેં વાળી કાઢ્યા

પ્રેમ તણી વેલના આપણ બે ડાળા

અહમ કે અસમજ, છો કરે સ્નેહનું બારણ બંધ

હૃદ ફૂલ છે, કેમ કરી એની ખાળશે સુગંધ

તે ન જાણે રોક ન ટોક, ન પ્હાડ કે પર્વત આડા

પ્રેમ તણી વેલના આપણ બે ડાળા

-          ડૉ. ગોપાલપટેલ

Comments