સાવજનાં નેહમાં ડોલનની ડણક..

 સાવજનાં નેહમાં ડોલનની ડણક..


    
    સાયકલ ઝોનનાં આંગણે, વહેલી પરોઢે કોલાહલ થવા લાગ્યો. આમ તો એકત્રીસ સાવજ-સાવજણીઓ, ચારસો કિમી લાંબી સાયકલ સફર માટે એકઠાં થયા હતા. સહુનાં મુખે એક જ વાતનો દોર શરૂ થયો, કે સરળ, આપની ડોલનની ક્યાં છે? નવાઇ એ લાગી કે કન્યાની પૂછપરછ થવા લાગી એટલે નક્કી માગું આવશે જ..! એવી અનુભૂતિ ડોલનનાં સવાર, સરળને થવા લાગી.

    એવાંમાં એક હરિતસિંહ નામનાં સાવજની ત્રાડ સંભળાઈ કે જે જે મહેમાનો છે એમને દરેક યજમાન પાસેથી નાસ્તો માંગી લેવાનો છે. કોઇએ પોતાનો નાસ્તો આરોગવાનો નથી.
વાહ રે, રંગીલા રાજકોટની રહેણીકરણી વાહ..!
    બહારગામથી આવનાર ચહેરાં ખુશીઓથી છલકાઇ ઊઠ્યાં. જાહેર પડકારથી આવું હૂંફાળું અને ઉમળકા ભર્યું સ્વાગત તો રંગીલું રાજકોટ જ કરી શકે...!
ભાઇ ભાઇ, ઘણી ખમ્મા આ ધરતીને..!
    સાતનાં ટકોરે, નાનકડાં ઉત્સવને લીલી ઝંડી મળવાથી, એકત્રીસ સાવજ અને સાવજણીઓની ટોળી સોરઠની ભોંને ખૂંદવા માટે નીકળી પડી. અને એ પણ બે પૈંડાવાળી સાયકલ પર..! આમ તો એ નારી જાતી પણ ભલભલા ચમરબંધી નરોને એ સવારી કરાવે. અને અવનવા અનુભવોની ભરમાળ ખડીકી દે સૌ સવારનાં માનસપટ પર...! ડોલન એ બાબતમાં અવ્વલ નંબર પર.! કોઇ એની તોલે ના આવે..! એનાં સંગાથીને એ ભાતીગળ અનુભવો કરાવે.
    પાછળ પડેલાં પવને અને સતત દદડતી રહેતી કામણગારી સડકે દરેક સવારને ચારથી સાડા ચાર કલાકમાં જુનાગઢ જોવરાવી દીધું. સક્કરબાગ મજેવડી દરવાજા ને ભવનાથ તળેટીએ ભોળાનાથને સાદ દેતાંકને સાસણની સડક પર સફરને ચડાવી દીધી. લીસી ને સપાટ સડક પણ કુમળી નારીનાં ગાલ જેવી ભાસતી રહી. ડોલનને આવી સુંવાળપ ગમવા લાગી એટલે ગતિને વેગ આપવા લાગી.. બેઉ તરફ લીલીછમ ઝાડી, જંગલની અનુભૂતિ કરાવતી હતી. ઝાડી પાછળ ચોરસ ચોસલામાં પથરાયેલા ખેતરો પોતાનાં પર ઊભેલાં વિવિધ પ્રકારનાં લીલાં મોલ દ્વારા સોડમ ફેલાવતાં હતાં. મનમોહક સોડમને માણતાં માણતાં ડોલનનું ડોલાવનું વધતું જતું હતું.
મન, ડોલનનું અને એનાં સાથીનું પ્રકૃતિમય બનતું જતું હતું.
    મેંદરડાની સીમ આંબાનાં વનથી ભરેલી જોવા મળી. આંબા પર ફોરેલો મોર ઉનાળાનાં સ્વાદની અનુભૂતિ કરાવતો હતો. ‘ગર’નાં આંબાઓ શ્રાવણનાં ‘મોર’ જેમ કળા કરીને સાયકલ સવારનાં મનને ખીલવતાં હતાં. સાયકલ સવારો પોતપોતાના ગજા મુજબની મજા માણતાં જતાં હતાં.
    મેંદરડાની ભાગોળ પરની એ મહેસાણાનાં તબીબો અને એવરેસ્ટ આરોહકનાં સંગાથે લીધેલી સોરઠની સોડમ સમી ચાની ચુસ્કી, કાયમી સંભારણાં રૂપે હ્રદયે સચવાય ગઇ. સ્થાનિક વ્યક્તિ સાથેનાં વાર્તાલાપમાં એ જાણવા મળ્યું કે મેંદરડા થી સાસણની સડક, ઢાળ ઢોળાવવાળી હોવાથી સાયકલ ચલાવવામાં તકલીફ પડશે. એટલે ડોલન તો હસી પડી.!
    હા, પોતાનું કૌતુક / કૌશલ્ય દેખાડવા જ સ્તો...!
સાહસની વાતોથી આમેય ડોલનને ડોલવાનું મન તરત જ થવા લાગે. મેંદરડું થોડું ઢંગધડા વગરનું જોવા મળ્યું એટલે આખું ગામ જ ચાલતાં ચાલતાં વીંધવું પડ્યું. મેંદરડાવાસીઓની આકળવિકળ નજર સતત અમારા કાફલા તરફ કુતુહલતા પૂર્વક તાકતી રહી.
    સાસણની સડક પર ડોલનનાં પગ સરકવા લાગ્યા ત્યારે ચઢાણ ચડવાનો પરિશ્રમ થતો હોય એવી અનુભૂતિ થવા લાગી. ડોલનને હવે હ્રદય સ્પંદન નિયંત્રણ કરવાનો વારો આવ્યો. શ્વાસની ગતિનો વેગ વધતાં, અધૂરા શ્વાસે હ્રદયને ધપાવવું જ રહ્યું. ધમણ સતત હાંફવા લાગી હોય, એનો લય પણ કાબુમાં રાખી પેડલ મારતાં રહેવાનું કામ સરળ કર્યે જતો હતો.
    સાવજની ‘ગર’ સૂકી ભઠ ભાસતી હતી. સરળ-ડોલને પોતાનાં કાન સરવા કરી લીધા હતાં કારણ, કદાચ પરેશભાઇનાં કહેવા મુજબ સાવજની ડણક્યુ સાંભળવા મળે? પણ, ‘ગર’ની કાળી ભમ્મર સડક વીંધતી જતી ડોલનની ડણક સાંભળતાં જ સાવજ તો પોતાની સાવજણીનાં બથમાં ભરાઇને બેઠો હોવો જોઇએ અને બેઠો બેઠો ડોલનની તાકાતને વાગોળતો હોવો જોઇએ. નહીંતર તો ગરનાં રાજાની ડણક્યુ સાંભળતા જ સડકે સફર કરતાં સહેલાણીઓનાં હાંજા ગગડી જાય હો.!
આ તો ગરની ધરતી ભાઇ ભાઇ,
જ્યાં સાવજડા સેંજળ પીવે!
    મેદરડાથી સાસણનો ચઢાણ પ્રભાવિત અડધોએક રસ્તો ઓળંગ્યા બાદ ઢોળાવ પર ડોલન ડોલવા લાગી. ને એની ગતિ અમર્યાદિત બની ગઇ. આગળ પાછળ ચાલતાં તબીબો પણ નજરનાં માપદંડ વડે ડોલનની શારિરીક ક્ષમતાને અને સરળની માનસિક ક્ષમતાને માપવા લાગ્યા. ને સાસણનાં ચિસોડે રસ પીતાં પીતાં ડોલન શૂન્ય પાલનપુરી નો શે’ર ગણગણવા લાગી કે,
તબીબોને કહી દ્યો કે માથું ના મારે,
દર્દ સાથે સીધો પરિચય છે મારો;
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે, દવા ઓળખે છે.
    સોરઠની આ ધરા પરની સર્પાકાર સડક પર ડોલન પોતાની અંગમરોડ પ્રક્રિયા કરતી રહી ને મોજ લૂંટતી રહી. સાવજની ડણકનો છણકો ક્યારેક ભીતરને ડરાવી જતો તો ક્યારેક કાળજું મજબૂત કરી જતો. સડકની બેઉ કિનારી પર આંતરે આંતરે કેસુડો પોતાની મહેંક સાયકલ સવારોનાં મનમાં વસંતનું સતત સ્મરણ કરાવતો રહેતો. અને આમેય આજનો દિવસ પણ વસંતનો જ હતો ને..! વસંતપંચમી જ સ્તો..!
    તાલાળાની ધરતી ચીરતાકને આગળ વધતી ડોલન બેકાબૂ બનતી ગઇ. કારણ કે હવે એને અંતિમ વળાંક નજરે પડતો હતો. વેરાવળ ઉપરથી ઊડીને આવતાં વા એ દરિયાઈ જીવની કફોડી હાલતની અનુભૂતિ કરાવી દીધી.
    ઢળતી સંધ્યાએ ડોલને સોમનાથની સીમમાં પગ મૂક્યો ત્યાં તો એણે શિવજીની માફક તાંડવ શરૂ કરી દીધું. હા, ભોળાનાથને ધરાને લાજે એવાં જ ઝનૂનનાં દર્શન કરાવતી ડોલન, ખરેખર તો સરળને અડધું અંતર આટોપી લીધાનો હરખ દેખાડતી હતી. પોણા પાંચના ટકોરે માર્શલ હર્ષદે, પોતાની હસમુખી મુખાકૃતિનાં માધ્યમ દ્વારા હર્ષભેર બ્રીવેટ પર નોધણી કરી. સરળે પણ પોતાનું ઇંધણ જઠરમાં ભરી લીધું.
    સવા છ એ એટલે સંધ્યાકાળે પરત ફરતાં મનોમન શિવાજીને નમન અને સ્મરણ કરી લીધું. વળતાં પાણીનો અંદાજ વા ને પણ આવી ગયો હશે કારણ, એ પણ આજે સામે થવાને બદલે ડોલનની જેમ એણે વળતાં પાણી કર્યાં હતાં. જોતજોતામાં વીસેક કિમીનું અંતર ડોલને પોતાનાં શરીરે વીંટાળી લીધું ને ગડુ નામના ગામડે આવી ગઇ. રસ્તો અજાણ્યો પણ અણમોલ લાગ્યો. ચાર ‘પના’ની પહોળાઇની સડક ને વળી પાછી સોરઠની સુંવાળપ અને એમાંય મારગનું ઢલાળ તો ખરું જ હો... ભાઇ.! ડોલનની મુખાકૃતિ હાસ્યથી છલકાઇ ગઇ. રાતનાં અંધકારને ગાંઠ્યા વગર જ એને કેશોદ કને પહોંચતા વાર ન લાગી.
    રાતનાં અંધકારને ઉજાળવા ડોલનને વધુ પ્રકાશની જરૂર લાગી એટલે એક હાટડીએથી નવાં શેલ ખરીદી ને ચડાવી દીધા. ડોલને વંથલી થઇને જૂનેગઢ પહોંચતા થોડો સમય વધારે લઇ લીધો પણ એનું કારણ માત્ર સરળની ઊંઘ અને કંટાળો હતું. ડોલનનો એમાં દોષ ન હોતો.
    મળસ્કું જરા વધારે મથાવવા લાગ્યું હોવાથી ઝડપ પર નિયંત્રણ આવી ગયું. છતાં ધીરે ધીરે વિરામ લેતાં લેતાં આગળ ગતિ કર્યે જતાં. સરળનાં પેટમાં બુડબુડિયા બોલવા લાગ્યા હતાં રસ્તા પર પેટ ભરાઇને ખવાઇ એવી કોઇ હોટેલ જોવાં ન મળી. નજર દૂર દૂર ખોરાકની શોધ માટે ફરતી રહી. એમાં વડાલી પાસે જમણી તરફે એક અક્ષર આઇસસ્ક્રીમનું કારખાનું ખુલ્લું જોયું તો ત્યાં જઇ અમે અમારી કથા વર્ણવી એટલે એમણે કેળા, રબડી, આઇસક્રીમ જેવી વાનગીઓ ખવરાવીને ખુશખુશાલ કરી દીધાં, મને અને નીતિનને...! હા, ભાઇ સાહસે નીકળ્યાં હોઇએ ને કટોકટી ઊભી થાય એટલે શરમને નેવે મૂકી ગમે ત્યાં ઘૂસી જવામાં સરળ માહિર છે. અને હસતાં હસતાં નવી મિત્રતા બાંધી લે..!
આમેય ખેડૂત અને કણબીનો દીકરો ખરો ને..!
    પેટે હાશકારો અનુભવ્યો એટલે જેતલસર ને જેતપુર જોતજોતામાં પસાર કરી દીધાં. પ્રજાસેવક ‘જલા’નાં આશીર્વાદ પામતાંકને, સાહિત્ય જગતને અણમોલ ખજાનો( ભગવદ ગો મંડલ) આપનાર ભગવતસિંહનું સ્મરણ કરતાં કરતાં અને કાઠીયાવાડી કીટલીનાં કડક કહૂંબા ને ગટગટાવતા ડોલન, રાજકોટ ભણીનું ચઢાણ ધીમે ધીમે કાપી રહી હતી. સહુ સાયકલસવારો આગળ પાછળ થયાં કરતાં હતાં ને એકમેકમાં હુંફ ભરતાં જતાં હતાં. ઠંડીની કાતિલતાને સહેતા જતાં હતાં.
    સૂર્યોદય પહેલાં જ રાજકોટ પ્રવેશ થઇ ગયો અને સવા સાતનાં ડંકે સફરનો પૂર્ણવિરામ થયો. એટલે આ વરસની પ્રથમ #SR પૂર્ણ કર્યાંનો હાશકારો મ્હોં માંથી સરી પડ્યો..
    છેવટે તો સંધાય રાજકોટીયાઓ ડોલનનાં દિલમાં અને સરળનાં સ્નેહમાં વસી ગયા...! આ ચારહે ની ડણકનો છણકો ખરેખર મનભાવન રહ્યો.
તા.નવ, ફેબ્રુઆરી, બે હજાર ઓગણીસ.

Comments