પંચમહાલમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પ્રથમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૧ મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી .....

 પંચમહાલમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પ્રથમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૧ મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી .....


    ગર્ભસિદ્ધ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીબાપા આ સંપ્રદાયના એક મહાન યોગીપુરુષ હતા. યોગી તરીકે તેમની શક્તિ સૂર્ય-ચંદ્રની ગતિમાં પણ ફેરફાર કરી શકતી. અનેક ઐશ્વર્યોના સ્વામી હોવા છતાં શ્રીહરિનું દાસત્વ તેમની આગવી છાપ હતી.


    પ્રભાવશાળી વ્યક્તિત્વ,સતાવાહી આવાજ, ઉત્કૃષ્ઠ તત્વજ્ઞાન, વિપુલ સાહિત્ય સર્જન અને ગમે તેવા મન ભેદ કે મતભેદનો સરળ ઉકેલ શોધવાની વ્યવ્હાર દક્ષતાને કારણે સંપ્રદાયમાં બંન્ને દેશના ગાદિપતિ આચાર્યોના પણ ઉપરી તરીકે શ્રીહરિ દ્વારા નિયુક્તિ પામેલા યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાનું પ્રાગટ્ય સાબરકાંઠા જિલ્લાના ટોરડા ગામે રહેતા મોતીરામ ઠાકરને ઘરે માતા શ્રી કુશળબાની કૂખે વિ.સં.૧૮૩૭ મહાસુદ ૮ ને સોમવારે થયો હતો.



    બાળપણથી જ સ્વામીના જીવનમાં અનેક પરચાઓ નોંધાયા છે. શામળાજી ભગવાન તેમની સાથે બાળરુપ ધારણ કરી રમવા આવતા. આ વાત પ્રસિદ્ધ છે. ગામમાં આવેલા માંત્રિકના શાલીગ્રામ ઘણાં પ્રયત્નો કરવા છતા માંત્રિકને મળ્યા ન હતા એ પણ ખુશાલની યોગશક્તિનો જ પ્રભાવ હતો. ખુશાલ ભટ્ટે પાઠશાળામાં વિપ્ર બટુકોને ભણાવવાનું શરુ કરેલું.થોડી ભણાવી,ઝાઝુ ભજન કરાવે. સમય જતા જેતલપુર આવ્યા. મહારાજને મળ્યા. મુક્તાનંદ સ્વામી પાસે રહીને રામાનુજભાષ્ય સહિત શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણ્યા અને અંતે દિક્ષા ગ્રહણ કરી "ગોપાળાનંદ સ્વામી" થયા. સ્વામીએ સત્સંગના બંધારણને સ્થિર સ્વરુપ આપ્યુ. સ્વયં ઈશ્વર જેવું સામર્થ્ય ધરાવતા હોવા છતાં શ્રીજી મહારાજના સંદેશ વાહક બનીને અવિરત વિચરણ કરતા રહ્યા. તેમની યોગશક્તિ અને ઐશ્વર્યના સ્વતંત્ર ગ્રંથો રચાય એટલા વિપુલ પ્રસંગો છે.

*અનુપમ ઈડર દેશમાં, ધન્ય ધન્ય ટોડલા ગામ;

ધન્ય ધન્ય દ્વિજની જાતને, જ્યાં ઉપજ્યાં ભક્ત અકામ.

જોગી પૂરવ જન્મના, જેને વહાલા સંગાથે અતિ વહાલ;

પ્રભુ સંગાથે પ્રગટયા, ખરા ભક્ત તે નામ ખુશાલ..*

    શ્રીજીમહારાજ પ્રગટ વિરાજતા ત્યારે ગઢપુરમાં સદ્દગુરુ નિષ્કુળાનંદસ્વામી ભક્તચિંતામણિ ગ્રંથ બનાવતા, શ્રીજીમહારાજને બતાવતા, મહારાજ કહે, “આમાં યોગીનું પ્રકરણ દાખલ કરો.” તેથી સદગુરુ નિષ્કુળાનંદસ્વામીએ યોગીન્દ્ર સદ્ગુરુવર્ય ગોપાળાનંદસ્વામીને વિનંતી કરી કે, “મહારાજ આમ આજ્ઞા કરે છે.”


    યોગીન્દ્ર ગોપાળાનંદસ્વામી કહે, “મારું કાંઈ દાખલ કરવું નહીં. ” પછી મહારાજને કહ્યું જે, “યોગી તો ના પાડે છે.” ત્યારે મહારાજ કહે, “અમે બીજા કવિ પાસે લખાવશું.” પછી સદ્ગુરુ નિષ્કુળાનંદસ્વામીએ તે હકીકત યોગીન્દ્ર સદ્ગુરુવર્ય ગોપાળાનંદસ્વામીને કહી. ત્યારે કહે કે, “જેમ મહારાજની મરજી હોય તેમ કરો.” તેથી ભક્તચિંતામણિનું પ્રકરણ કર્યું. 


    વૈદુષ્યની દુનિયામાં તેઓ બ્રહ્મસૂત્ર,ભગવદ્ ગીતા અને ઉપનિષદ્ ભાષ્યના કર્તા છે. યોગીઓના સમુહમાં તેઓ જગવંદ્ય યોગીરાજ કહેવાય છે. અપાર શક્તિ સામર્થ હોવા છતા તેમણે ક્યારેય પોતાના માટે તેનો ઉપયોગ નથી કર્યો. છતાં અવાર નવાર દુઃખી ભક્તોની પ્રાર્થનાથી તેમનું સંત હૃદય દ્રવી ઉઠતુ ત્યારે તેમના યોગ સામર્થ્યના વિજચમકારા જોવા મળતા. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીમાં એવું સામર્થ્ય હતું કે તેઓ મૂંગા ને પણ બોલતા કરી શકતા હતા અને પોતાની ઈચ્છા પ્રમાણે વરસાદ પણ વરસાવી શકતા હતા.



    સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાએ આશરે સાડાચાર દાયકઓ સુધી સત્સંગની સેવા બજાવી છે. શ્રીજી મહારાજ અતંર્ધાન થયા પછી લગભગ ૨૨ વર્ષ સુધી સત્સંગને ફેલાવવા, સુદ્રઢ બનાવવા શિરછત્ર બન્યા હતા.

  

    મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પંચમહાલ જિલ્લાના વિવિધ ગામો જેવાં કે ઠાકરિયા, વાઘજીપુર, ધામણોદ વગેરેમાં  મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, ધર્મતનુજદાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી સત્યદર્શનદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હરિભક્તોએ ગોપાળાનંદ સ્વામીબાપાનું ઓચ્છવ કરતાં કરતાં સ્વાગત સામૈયું, પૂજન, અર્ચન, પુષ્પ હાર પહેરાવી, થાળ ધરાવી અને આરતી ઉતારી હતી. ત્યારબાદ હરિભક્તોએ આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો. આ પાવન અવસરે પૂજનીય સંતોએ પણ મહિમાગાન કર્યું હતું.




Comments