May 31 - World No Tobacco Day!!

May 31 - World No Tobacco Day!!
-Mitesh Solanki (FB)


પોસ્ટમાં વ્યસનમુક્તિ વિશે વાત નથી કરવી કારણકે ઘણાં લોકો / સંસ્થાઓ વર્ષોથી આ અભિયાન ચલાવી રહ્યા છે અને જો તેઓ સફળ રહ્યા હોત તો આજે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ ન હોત, શાકભાજી અને ફળફળાદિની દુકાનો કરતા વધુ પાનના ગલ્લા ન હોત, કેન્સર જેવો અસાધ્ય ને જવલ્લે જોવા મળતો રોગ આજે ઘરે ઘરે ન હોત.


વ્યસનમુક્તિ એ આગ્રહની નહિ પણ આત્મસંયમ (સેલ્ફ કંટ્રોલ) ની વાત છે જે સાધવું અતિ અઘરું છે. ઘણાં કાર્યક્રમો જોયા જેમાં વ્યક્તિ / સંસ્થા થી પ્રભાવિત થઈ લોકોએ વ્યસનમુક્તિ નો સંકલ્પ લીધો હોય અને કાર્યક્રમ પૂરો થતાં જ પાન ફાકીની દુકાન તરફ દોટ મૂકી હોય.

આંકડાઓ જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં સાવ બે લાખ કરોડ કરતા વધુની કિંમતનું ડ્રગ્સ રાજ્યમાં ઘુસેડાયુ છે. મીડિયામાં આવે, વિરોધ ઉઠે, પ્રશાસન પર શંકા જાય, સરકાર પર કાદવ ઉછળે બધું બરાબર પણ તેની ખપત થાય છે ત્યારે જ વારંવાર ઘુસેડાય છે ને?! ખપત શૂન્ય થઈ જાય તો આવક પણ શૂન્ય થાય. અને ખપત ત્યારે જ શૂન્ય થાય જયારે પ્રજામાં આત્મસંયમ (સેલ્ફ કંટ્રોલ) આવે. ગુજરાતની વાત કરીએ તો ૨૦૧૦ માં વ્યસન કરતા લોકોની સંખ્યા ૨૪% આસપાસ હતી જે આજે વધીને ૪૫% થી વધુ છે. જેમાં ૭% મહિલાઓ અને ૪% પંદર વર્ષથી નાના બાળકો પણ છે. આ આંકડા માત્ર તમ્બાકુનું વ્યસન કરતા લોકોના છે. આનાથી ખરાબ એવા દારૂ અને ડ્રગ્સની લતવાળા વ્યસનીઓનું પ્રતિશત પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, જે અતિ ચિંતાનો વિષય છે. અને આ સત્તાવાર (ઓફિશિયલ) આંકડા છે, હકીકત ઘણી ખરાબ છે.

ઘણાં સમય પહેલાં વાંચેલું કે જાપાન દ્વિપસમૂહમાં અતિશય ભાવવધારો થાય તો લોકો તે વસ્તુ વાપરવાનું બંધ કરી દે અને માંગ પુરવઠા ના નિયમાનુસાર થોડા સમયમાં ભાવ આપમેળે ઘટીને સ્થાયી થઈ જાય છે. આપણે ઉલટું છે, કોરોના જેવી મહામારીના સમયમાં લોકડાઉન વખતે તમ્બાકુ / દારૂ / ડ્રગ્સ ના ભાવ અનેકગણા વધ્યા તો સામે માંગ પણ વધી. મતલબ લોકોએ જ વ્યસની બનવાનું નક્કી કરી લીધું છે ત્યારે સરકાર કે પ્રસાશન શું કરે? આવામાં બે વાત યાદ રાખો. એક, જે વ્યક્તિ તમને વ્યસન કરવા માટે ફોર્સ / ઈમોશનલ બ્લેકમેઈલ કરે તેનો સાથ એક ઝાટકે છોડો. બે, વ્યસન કરવાના હજારો કારણ મળશે પણ વ્યસનમુક્તિનું એક કારણ મળે તો તેને કદી ન છોડો.

આપણે શું કરવું? વ્યસનીઓને સમજાવવામાં સમય અને શક્તિ વેડફવા કરતાં ખુદને આ દલદલથી દૂર રાખો. બાકી આંકડાઓ જોઈએ તો વ્યસનમુક્તિના અભિયાનો કરવાથી વ્યસનીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. કપરા સમયમાં દારૂ ઢીંચીને ડીંગલ કરવું સહેલું છે, પણ એ વખતે મન કાબુમાં રાખી સ્વસ્થ રહેવું અઘરું છે. વ્યસનમુક્ત રહેવું એ આત્મસંયમની વાત છે, અતિશય કપરું છે. ડગલે ને પગલે પરીક્ષા અપાવી પડે છે, ક્યારેક મિત્રતાની કુરબાની આપવી પડે છે, લોભામણી જાહેરાતો તરફ ખુદને દોરવાતા અટકાવવા પડે છે. ટૂંકમાં વ્યસનમુક્ત રહેવું નામર્દોનું કામ નથી.!

વિચારજો. અસ્તુ: 🙏

Comments