પર્યાવરણની સમતુલા જોખમાવાથી માનવ જીવન પર ખતરો
પૃથ્વી પર સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું છે.મનુષ્ય જન્મે છે ત્યારથી પર્યાવરણ સાથે જોડાય છે અને જીવનના અંત સુધી જોડાયેલો રહે છે.મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોનો બનેલો છે અને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આ પંચ મહાભૂતોમાં તેનો નશ્વર દેહ વિલિન થઈ જાય છે. અનેક ઋષિમુનિઓ સાધુ, અને સંતોએ પર્યાવરણના દાયરામાં રહીને લાંબુ આયુષ્ય ભોગવ્યું હોવાના ઘણા દાખલા ઈતિહાસમાં જોવા મળે છે.આજે માણસ પર્યાવરણથી વિમુખ થવાથી અનેક રોગોનો ભોગ બની ગયો છે અને તેનું આયુષ્ય પહેલાંની સરખામણીમાં ઘણું ઓછું થઈ ગયું છે.પ્રાચીન સમયમાં પણ પર્યાવરણની જાળવણી માટે રાજા મહારાજાઓએ અનેક પ્રયત્નો કરેલા હતા.આપણા મહાન સમ્રાટ અશોકે પણ પર્યાવરણની સુરક્ષા માટે નક્કર પગલાં લીધેલાં.જેમાં રસ્તાઓની બાજુમાં વૃક્ષોનાં વાવેતર દ્વારા વૃક્ષારોપણ માટે પ્રજાને પ્રોત્સાહિત કરી હતી.આમ તો જીવ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ માનવીએ જીવનનાં જુદા જુદા તબક્કે પોતાના નિભાવ,સુરક્ષા અને સુખ સગવડો મેળવવા માટે કોઈ ને કોઈ રીતે પ્રકૃત્તિનાં તત્વોનો ભરપૂર ઉપભોગ કર્યો છે.સમયની સાથે જેમ જેમ માનવીની જરૂરીયાતો વધતી ગઈ તેમ તેમ પ્રકૃત્તિનાં તત્વોનો વધુ ને વધુ ઉપયોગ કરવા લાગ્યો. વિકાસના નામે હરણફાળ ભરી અને સીમેંટ-કોંક્રીટનાં મકાનો બનાવતો ગયો તેમ તેમ જંગલોનો ખાતમો બોલાતો ગયો. હવે પરિસ્થિતી એટલી હદ સુધી પહોચી ગઈ છે કે ત્યાથી નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી. માણસ પર્યાવરણના બધા જ તત્વો-વસ્તુઓનો આજે અમર્યાદિત રીતે ઉપયોગ કરી રહ્યો છે. આજના સમયમાં તેના અમર્યાદિત ઉપયોગના લીધે પર્યાવરણના આ ચક્રમાં વિક્ષેપ પેદા થતા ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, સુનામી, ઓઝોન ઈફેક્ટ જેવી સમસ્યા પેદા થઈ છે. આજે આપણે આપણી આવશ્યકતાની અમર્યાદિત પૂર્તિ માટે જળ, જમીન, પેટ્રોલિયમ પદાર્થો- ખનીજ તેલ વગેરેનો વપરાશ જરૂર કરતાં વધારે કરી રહ્યા છીએ. આથી પર્યાવરણના તત્વો વચ્ચે સમતુલા ખોરવાઈ ગઈ છે જેને લઈને આજે અનિયમિત ઓછો-વધુ વરસાદ, અનિયમિત તાપમાન, અનિયમિત વધુ- ઓછી ઠંડી, ધરતીકંપ, સુનામી, રણોનું વિસ્તરણ વગેરે જેવી કુદરતી આપત્તિઓ આવ્યા જ કરે છે. આઉપરાંત વાતાવરણમાંના ઓઝોનના સ્તરમાં ગાબડું પડી ગયું છે.આ બધું જ આપણા માટે ચિંતાનો વિષય બની ગયો છે જે પર્યાવરણની અસમુતલાને પરિણામે જ થઈ રહ્યું છે.પર્યાવરણની સમતુલા જોખમાવાથી માનવ-સમાજ જીવન પર પણ જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે જો આપણે સમયસર નહિ ચેતી જઈએ અને પર્યાવરણની રક્ષા માટે જાગૃત નહિ થઈએ તો, “જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી” એ ઉક્તિ મુજબ આવના સમયમાં ઘણી કુદરતી આફતોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.પર્યાવરણ એ કુદરતની ભેટ છે અને કુદરત જ્યારે રૂઠે છે ત્યારે માનવ તેની સામે લાચાર બની જાય છે. તેથી જો આપણે પર્યાવરણનું જતન નહિ કરીએ તો તે માત્ર આપણા માટે જ નહિ પરંતુ આપણી આવનારી ભાવિ પેઢી માટે પણ ઘણું ખતરનાક નીવડી શકે છે. પર્યાવરણ છે તો જીવન છે.
ચંદ્રવદન ધ્રુવ: પર્યાવરણવિદ
Comments
Post a Comment