લોન લેવામાં બીક બહુ લાગે?

    ભંગાર ભેગો કરી વેચવાનું અમે કરીયે. અમારી પાસે વાહનની સગવડ નહીં. ભાડેથી લારી લઈને અમે ધંધો કરીયે પણ ભાડામાં મુશ્કેલી ઘણી. સવારે લારી મળે અને 4 વાગ્યા પહેલા પાછી આપવાની. આમ વધુ ફરી વધુ ભંગાર ભેગો કરવાની હોંશ હોયતોય કરી ના શકીયે.

    આતો વિનોદભાઈ (અમારા કાર્યકર) એ કહ્યું કે તમારા ઘરનું સાધન લઇ લો ને તો ધંધો ચિંતા વગર કરી શકાય. એમની વાત સાચી હતી પણ અમારી પાસે નહિ. રોજ જીવાય એટલું માંડ ભેગું થાય એમાં સાધન માટે પૈસા ક્યાંથી કાઢવા?
    વિનોદભાઈ એ સઁસ્થામાંથી વગર વ્યાજે લોન આપવા કહ્યું પણ અમને લોન લેવામાં બીક બહુ લાગે? ના ભરી શકીયે તો ગુનેગાર કહેવાઈએ! એટલે લોન માટે ના કહી.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં રહેતા નીતાબેનની આ વાત વિનોદે અમને કહી.
    અમને નીતાબેન અને એમની સાથેના બધા પરિવારોની ખાનદાની ગમી. અમે નક્કી કર્યુ આ પરિવારને મદદ કરવાનું અને લોન ન લેવા પાછળનો એમનો ડર દુર કરવાનો. એમને સમજાવ્યુ અને સાધન એમની જરુરીયાત મુજબ પેડલ રીક્ષા એમને તૈયાર કરી આપી. વધુ વાત કરી એટલે એમને કહ્યુ કે લારી કરતાં પેડલ રીક્ષા હોય તો વધારે સારુ .પેડલ રીક્ષા હોય તો વધુ ફરી શકાય વધારે ગામોમાં પણ જઇ શકાય અને ભગારની સાથે નાની મોટી બીજી વસ્તુ પણ વેચવાનુ પણ કરી શકાય. પચાસ ટકા રકમ મદદ સ્વરુપે આપી અને બાકી પચાસ ટકા લોન પેટે આપી.મદદ કરી આદરણીય શ્રી ક્રિષ્નકાંત મહેતા અને ડો. ઇન્દિરા મહેતા .અંકલ, આન્ટીની આ મદદથી અમે નીતાબેન જેવા અન્ય આવા 90 પરિવારોને પચાસ ટકા રકમે મદદ કરી.અંકલ, આન્ટીની આ મદદથી દેવીપુજકના 8 પરિવારોના ધરમાં રોશની થઇ.એ લોકોના ધરમાં હવે બચત થાય છે. સુખેથી એ લોકો હવે જીવશે. થેંક યુ. સૌનુ શુભ થાય એવી ભાવના.

-મિત્તલ પટેલ (વિચરતા સમુદાય સમર્થન મંચ )








Comments