પેડલ પ્રવાસ – અંબાજી દિવસ-૧ The Spiritual Journey On Saddle

 પેડલ પ્રવાસ – અંબાજી દિવસ-૧

The Spiritual Journey On Saddle Day1 

સફર, સહસ્ત્ર કિ.મી.ની...!

તા.૨૭.૧૨.૨૦૨૧, સોમવાર. 


    છવ્વીસનો એ દિવસ ઘણો વિહવળતા ભર્યો વહી રહ્યો હતો. સરળ, પોતાની કચેરીએ મિત્રો પાસે સહકારની ભીખ માંગી રહ્યો હતો. ભીખ તો એવી હતી કે મારે જી ટુ જી, (ઇન્ડીયા ગેટ, દિલહી થી ગેટ વે ઓફ ઇન્ડિયા, મુંબઈ) કરવું છે. તમે સાથે મોટરકાર લઈને સહાયક ભૂમિકામાં આવો ને દિવસ દરમિયાન વચ્ચે આવતા સ્થાનને માણજો. તો કોઇ તૈયાર થયું નહી. એટલે ઢળતી સંધ્યાએ, આ ઢળતી ઉંમરનાં ઉમેદવાર, એવા સરળે, મનમાં ઊભા થયેલા ઇરાદા ઉપર સાયકલ સફરમાં નીકળી જવાની મહોર મારી દીધી. સાથે લેવાનો સામાન જમ્યા બાદ પેક કરી લીધો. સાથી ડોલનને તપાસીને પીઠ થાબડી લીધી. જવાબમાં એ પણ સાથીનાં સહવાસે નીકળવા માટે ડોલી ઊઠી. આનું નામ જ સંગાથ. સાથી અને સહસાથી એકમેક ઇશારા સમજી શકે તો જ જીવતર, અવતાર સમુ બની જાય છે એ પાક્કુ. આવો સરળ અને ડોલનનો સંગાથ ખરો હો. તમને પણ ઠીક લાગે તો અમારામાંથી શીખ લેજો હો..! આ ખાલી વાત કરવાનો કે લખવાનો વિષય નથી. જીવતરને અવસરમાં રૂપાંતરિત કરવાનો વિષય છે. 

    રાત્રે સામાન પેક કરતી વેળાએ સરળ સંગિનીએ સવાલ કર્યો કે ક્યા ઉપડ્યા? એટલે સરળ મુખે ઉત્તર સરી પડ્યો કે સાયકલ પર અંબાજી જવું છે. ચાલ, તારે આવવું છે? તો કહે ના હો, સવારે કેટલા વાગે નીકળવું છે.?

ને શું શું લઈ જવાનું છે.? 

    બસ, આટલી જ વાત..! ને સવારે એમના જ મોબાઇલ પરનાં એલાર્મે બેઉને બેઠા કર્યા. ને એકાદ કલાકમાં તૈયારી સાથે ડોલને સડક પર ફર્લાંગ ભરી દીધી. બસ, ત્યારે ઠંડીબોળ ઉષાનું મળસ્કુ બરાબર ધ્રુજાવતું હતું. સમયે, ઘડિયાળ કાંટે સાડા પાંચનો ટકોરો મારી દીધો ને ડોલન, સડકે સરકવા લાગી.


    મોટાભાગે આવા નિર્ણયો આકસ્મિક જ લેવાતા હોય છે. છતાંપણ સાથે નીકળવાનું આયોજન જ ઉત્તમ ગણાય. જેમાં આનંદ બમણો મળે. વિશેષ, નવી જાણકારીઓ બહુ મળે. એક-બે તસ્વીરો ખેંચાવી, ફેસબુક અને વોટ્સેપ ગૃપમાં મોકલી દીધી. એટલે પહેલો જ ફોન સરગમ બિલ્ડરનાં માલિક મનોજભાઇનો આવ્યો. અરે જાણેય ન કરી. ને નીકળી ગયા. અમારી પણ ઇચ્છા હતી. સરળ જવાબ એટલો જ કે સરળ શરીરને પણ ક્યાં ખબર હતી. બસ, સરળમનને સ્હાંજે વિચાર આવ્યો ને સવારમાં શરીરને હૂકમ કર્યો. તો વળતો સવાલ થયો કે કોણ કોણ છો? પાછો સરળ મુખેથી શબ્દ સરી પડ્યા કે બસ, અમે બેકલા. હું ને મારી ડોલન. છે ને સરસ, સુંદર ને રૂપાળો સંગાથ..! મનોજભાઇ હસવા લાગ્યા. ને કહ્યું ભૈ વાહ , સરળને તો ડોલન ભલી ને સરળ ભલો. ખુદ પોતાને જ પોતાનો સંગાથ. એને બીજા સંગાથની શી જરૂર..! જીવન જ આખું સહવાસભર્યું.. જ્યાં સફર ખેડે, ત્યાં સહવાસ હાજર ને હાજર. આપ એ રીતે જીવી શકો છો. હા, માત્ર સકારાત્મક વિચારો સાથે..!



    ઉષા, ઉઘડતી જતી હતી, સરળ ચહેરો ખીલતો જતો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર જ્યાં ડોલને વળાંક લીધો ત્યાં સૂરજનારાયણ એ આર્શીવાદ રૂપી કિરણોનો મારો ચલાવ્યો. જા દોસ્ત સરળ..! ‘તારી યાત્રા સુખરૂપ જશે. સૌને સારા વિચારો આપતો રહીશ.’ એવા આશીષે સરળનાં શરીરમાં કડકડતી ઠંડીની જગ્યાએ હૂંફ ભરી દીધી. વરૂણદેવ પણ કેવો ખ્યાલ રાખે છે. એને પણ સરળનું સાહસ ગમતું હશે ને..! ખેર, ગમતાં વ્યક્તિઓનાં ફોન, મેસેજને સહારે અંકલેશ્વર પાર કરીને ઐતિહાસિક ધરોહર એવા નર્મદા નદી પરનાં ‘ગોલ્ડન બ્રીજ’ પર સમયે પોતાનો સાડા નવનો ટકોરો માર્યો. ૮૦ કિમી સડકની લંબાઇએ ડોલનનાં શરીરે વીંટાળાઇ ગઈ. ગોલ્ડન પુલની ભવ્યતાને પામતાકને આગળ જઈને ખેતલાબાપાની ચાનાં ઘૂંટ શરીરે ઘોળ્યા. ચાને પણ પ્રોત્સાહન પોતાના ઇંધણ સ્વરૂપે સરળે પોતાનામાં ભરી લીધી. ને ડોલનએ સવારીને વેગ આપ્યો. ધીમી ધારે સમીર પણ વહી રહ્યો હતો. આમ તો દરેક સફરમાં સમીર સંગાથે જ હોય છે. ક્યારેક પાછળ પડેલો હોય તો ક્યારેક સામો પણ થતો હોય છે. ને ક્યારેક બાજુએથી ધક્કો લગાવીને વ્હાલ કરતો હોય છે. પણ એનાં વ્હાલની હવે સરળને આદત પડી ગઇ હતી, સમીર સંગ ટહેલવાની, વા સાથે વાતો કરવાની..! ધોરીમાર્ગ પર મળતાં સહયાત્રીઓ સરળ પર નજરથી આશીષ વર્ષા વરસાવતા જતાં હતા. કોઇક, કોઇકની નજરમાં કૂતુહલ પણ જોવા મળતું. તો કોઇકની નજરમાં જાણવાની જિજ્ઞાસા. બસ, સડક પરની શીતલ લહેરો ખુશીઓ સંગ લહેરી રહી હતી. અગિયાર ને નવે કરજણ ટોલનાકાનાં દર્શન થયા. સ્રત્રાવા એપ પર એકસો દસ કિમી ની નોંધણી થઇ ચૂકી હતી. ગરમ મેથીનાં ગોટા ને ચાની ચુસ્કીઓએ સરળ શરીરમાં ઉર્જા ભરી દીધી. દિનકર હવે થોડો વધારે ગરમ લાગતો હોવાથી શરીરેથી ગરમ કપડાનું હરણ કરી લીધું. સડકનો સાથ હંમેશા મળતો રહ્યો. સુંવાળપ એની સરળને બહુ ભાવતી હતી. એટલે ડોલનનાં ડિલને પણ સડકની સુંવાળપ જોડે સારું બનતું. ટોલ આપવા ગયો એક અધિકારીએ લીધો નહીં. એટલે બે શબ્દ શિખામણ પણ આપી દીધી જેવો વેરો ઉઘરાવો છો એનાં જેવા રસ્તાઓ છે નહીં. પ્રજાની ખામોશીને તમે ધ્યાનમાં લ્યો તો સારું કહેવાય ને તમારું શેષ જીવનમાં સારા ફળ મળશે. બસ, આટલું કહીને આગળ તરફ.

     સમય પસાર કરવા આવો વાર્તાલાપ બહુ જરૂર ગણાય. અજાણ્યા માણસો સાથે અણજાણી વાતોથી પોતાને આનંદમાં રાખવો એ પણ લાંબા પ્રવાસનો એક ભાગ જ છે. જેથી કંટાળો આવતો હોય ત્યારે કંટાળાજનક લાગતી સફર હળવી બની જાય છે. આવા જ ઉત્સાહ સાથે મા અંબાને શ્લોક દ્વારા સ્મરણ કરતા કરતાં વડોદરાનાં એક્સપ્રેસ વે નાં ઉદગમ સ્થાને ડોલને હોટેલ પ્લાઝો વિરામ લીધો. ઇંધણની જરુર હતી. મધ્યાહન ખરો તપ્યો હતો. ગુદામાં જલનની માત્રા પણ વધી હતી. પગને પોરો ખાવો હતો. આમ ભેગી થયેલી બધી સમસ્યાઓનું સમાધાન એકસામટું આ વિરામ પર જ ઉકેલવું પડે એમ હતું. બે રોટલી, એક શાક, ખારી લસ્સી,… પોષણ સભર ખોરાકે જઠરને ઠાર્યું. બપોરનાં બોણા બે થયા હતા. ડોલને ૧૬૬ કિમીની સફર ખેડી લીધી હતી. આગળ માટે ઊર્જા ભરી લીધી.

    સફરને વેગ આપ્યો. થોડા વધારે ખોરાકનાં સેવન કારણે શરીરમાં ભારણની અનુભૂતિ અનુભવાતી હતી. ભૂલમાં જ આ ભૂલ થઇ ગઇ હોવાથી હવે સંભાળીને ચલાવવામાં સાર હતો. સમયનું ચક્ર સતત ચાલતું રહેતું હોવાથી સમયનું ગણિત પણ સરળને ધ્યાને રાખવાનું હતું. એક એક પેડલ પગને કસતાં જતાં હતાં. પગ અને પેડલ, બેઉને એકમેક વગર ચાલે એમ ન હતું. સો-થી ઉપર કેડેન્સની ગણતરીએ ડોલનને ચાલવાનું હવે લગભગ ફાવી ગયું હતું. ધન્ય છે ડોલનની જનેતાને..! કે જેણે ડોલનને આ વસુંધરા પર જન્મ આપ્યો. અને ઇશ્વરની કૃપાથી સરળ જેવો સંગાથી મળ્યો. ખેર, વડોદરા શહેર, દશરથ, વાસદ, વઘાસી,.. જેવા મુકામો પાર કરીને  રોંઢા ટાણે, ચારને ટકોરે, આણંદની ચિખોદરા ચોકડીએ, હોટેલ ગેલોપ્સ પર સરળને પેટ સફાઈનું મન થયું એટલે થોડી વેળાં ડોલનને આરામ આપ્યો. ૨૦૦ કિમી આંકડો નોંધાઇ ગયો. એટલે જરા મનમાં હળવાશ આવી ગઇ અને રજવાડી ચાની ચુસ્કીઓ પેટમાં રેડી નથી કે તરત જ સ્ફૂર્તિ શરીરે સમાય ગઇ. 

    ડોલને પ્રસ્થાન કર્યું કર્ણાવતી શહેર તરફ. નડીયાદ, ડભાણ ટોલ પ્લાઝા, જાવેદની ચા સાથે કિસ્મત (હોટેલ)ને લઈ ખેડા, માતર પહોંચતા જ અંધારાએ અજવાળાને ઓલવી નાખ્યું. સડક નિતનવા વળાંકો ને ઢોળાવો જેવી ભાસતી હતી. એના ઉપર ડોલન પોતાનું ડીલ ઘસતી જતી હતી. એવામાં બારેજા પહેલા જ એક શ્રીરામ ચાની કેબિન પણ વડોદરાનિં વ્યકિત પરશોતમભાઇ મળી ગયા. સાથે ચા પાણી કર્યા. વડોદરાથી સુંધામાતા જતા હતા. બાઇક પર. પદયાત્રીની સહાયક ભૂમિકામાં હતા. એમનાં મિત્ર મગનભાઇએ લીધેલી બાધાને પૂર્ણ કરાવવા સહાયકની ભૂમિકા ભજવતાં હતાં. સત્સંગથી ઘણી માહિતીઓ મળી. લાઇટો આગળ પાછળ પોતાનું ઓળખપત્ર રજૂ કરી હતી. એટલે ડોલનને બહુ ઓછી તકલીફ જણાતી. છતાંપણ સાહસમાં દરેક પ્રકારની કાળજી રાખવી એ મહત્વની બાબત છે. કહેવાય છે ને કે ચેતતો નર સદા સુખી. આવા સુખની છોળો ઉડાડવાનું કોને ન ગમે. ડોલનનું ભીતર તો સતત ડોલતું રહેતું. ક્યાંક પોતાનાં કાર્યથી,  તો ક્યાંક ભેરૂનાં પ્રોત્સાહનથી, તો ક્યાંક કર્ણાવતીનાં કર્ણપ્રિય સંગીતથી. બારેજા, બારેજડી ને અસલાલી જેવાં ઉત્સાહથી ભરપૂર ગામોમાંથી પસાર થયાનો આનંદ અનેકગણો હતો. અસલાલી ચોકડી એ સૌથી વધુ વાહનોની ચહલપહલ. તકેદારીનો પૂરેપેરો ખ્યાલ રાખવો બહુ જરૂરી જણાય. જમણી બાજુએ વળીને વાહનોની ભીડ જરાક પણ ચૂક એટલે મોતને નિમંત્રણ આપ્યા  બરાબર ગણાય. આમ વાહનો અવરજવરને ચીરતીકને ડોલન, એક્સપ્રેસ વે, રામોલ, વસ્ત્રાલ ચોકડીએ પહોંચ્યો ત્યાં ગીરીશ ઠક્કરનો ફોન આવ્યો. કેમ છો? ક્યા છો? ક્યારે પહોંચશો, ક્યાં રોકાશો… જેવા અનેક સવાલોનો મારો ચલાવ્યો. ઉત્તર સરળતાથી અપાતા ગયા ને પાછા ફરતી વખતે મળવાનો વાયદો આપી દીધો. 



    પછી તો વટવા, નીકોલથી ઠક્કરબાપા ચોકડી સુધીનું અંતર તો થોડી વારમાં કપાઇ ગયું. ને મુકેશ પડસાળાની મુલાકાત કરવા ડોલને ડગલાં સીધા જ મુકેશભાઇની ઓફિસ તરફ ભર્યા. ઉમળકાનો ઊભરો બેઉ હૈયે છલકાયો. એકમેકની બાહોમાં સમાયા. સફરનાં સુખદુઃખ પર વાતો થઇ. ને પછી ફરી ઠક્કર બાપા ચોકડી પર શ્રીધર ટેનામેન્ટનાં ૨૪ નંબરે સરળને ઉમળકાભેર આવકાર આપ્યો. આમ જુઓ તો ડો. દશરથ પટેલ સાથે સરળને પૂર્વ જનમનું ૠણાનુંબંધ હશે. કારણ કે બેઉનું મિલન બેઉમાં અનેકગણી ઉષ્મા ભરી દે છે. ઘણા સમયનો વિરહ એ બાથમાં વિસરાય જાય છે. સાહસ બદલ અભિનંદન વર્ષા થાય છે. ભાવનાબેનનો ભાવ પણ ભવભવનો હોય એવી અનુભૂતિ થાય છે. જેનીશની કુતુહલતા ભરી વાતો સાંભળવાનો આનંદ સરળ હૈયે ઉછળવા લાગે છે. ડોલન તબિબનાં ફળિયે આરામની મુદ્રામાં સ્થિરતા ધારણ કરી લે છે. કેટકેટલી ઘટનાઓ સર્જન પામે છે બે આત્મીય મળે છે ત્યારે..! આ જ સાચો સ્નેહ છે. સમય, નવ ને પાંચનાં કાંટે ઊભો રહે છે ત્યારે ડોલન પોતાની સફરની મોજણી પર ધ્યાન દે છે ત્યારે એણે ખરેખર ૨૯૦ કિમી જેટલી સડકને માપી લીધી હોય છે. 

    સરળે ડિલને, ચોખ્ખુંચટ કરી લીધું. ભાવભરેલા ભાવનાબેનનાં ભજીયાએ સ્હાંજની વાળુનું કાર્ય આટોપી લીધું. મુલાકાતીઓ આવી ગયા. ડો. ચિરાગ ગોહિલ, મનીષભાઇ અને મુકેશભાઇ સંગાથે અવનવી સાયકલો વિશે ખૂબ લાંબી વાતો થઇ. આંખોમાં રજનીનઓ નશો ઘૂંટાવા લાગ્યો હોવાથી મહેમાનોને ના છુટકે રજા આપવી પડી. જેથી સરળ ડિલને આરામ મળે. આમ રજની, અંધારાની આડમાં સોડ તાણીને પોઢી ગઈ. 




અપૂર્ણ……. અનુસંધાન દિવસ-૨. માર્ચ 2022 ના અંકમાં 

Comments

Post a Comment