પંદર વર્ષનો ગોવિંદ મા બની ગયો...
રમવા, ભણવાની ઉંમરે આવી મોટી જવાબદારી ઉપાડવાની સમજણ એનામાં ક્યાંથી આવી?
ગોવિંદ સુરેન્દ્રનગરમાં રહે ને ખભે કોથળો લઈ પગપાળા ફરી ભંગાર ભેગો કરવાનું કામ કરે.
તે પોતાની સાથે ત્રણ નાના ભાઈ બહેન અને દાદા દાદીને સાચવે. અમારા કાર્યકર હર્ષદે અમને આ વિગત કહી અને આપણે એને પેડલ રીક્ષા આપીએ તો એ વધારે કામ કરી શકેનું કહ્યું.
અમે પેડલ રીક્ષા આપી. એનો ધંધો સરસ ચાલે છે ના સમાચાર હર્ષદે આપ્યા. હમણાં સુરેન્દ્રનગર જવાનું થયું ત્યારે એને ખાસ મળવાનું થયું. પેડલ રીક્ષાની આગળ એણે સરસ પીળા ફુલો ભરાવ્યા હતા.
રાજી છે એવું પુછ્યું તો કહે, 'હવે તો ધંધો કરવાની હોંશ થાય છે. વાહન થઈ ગ્યું ને એટલે'
'તારા પપ્પા શું કરે?' એવું પુછતા એણે કહ્યું, 'એ તો હું બાર - તેર વર્ષનો ત્યારે જ ગુજરી ગયા'
'તો મા?'
'એણે બીજે લગ્ન કરી લીધા... '
'તો એ તને લઈને ના ગઈ'
'હું ને મારાથી નાના બીજા ત્રણ ભાઈ બહેન છે. મારી માએ જ્યાં લગન કર્યા ત્યાં અમને લઈને ગઈ'તી પણ ત્યાં દુઃખ ઘણું હતું. એ એનામાં પડી'તી. અમારા ખાવા પીવાનાય કાંઈ ઠેકાણા નહીં. ગંધવેડામાં પડ્યા રેતા. મારુ તો ઠીક મારી નાની બહેન અને ભાઈને જોઈને જીવ બળતો. તે એક દિવસ એ ત્રણેય ને લઈને હું સુરેન્દ્રનગર મારા દાદા દાદી જ્યાં રહેતા ત્યાં આવી ગયો. દાદી - દાદીની ઉંંમરેય થઈ તોય એ અમને સાચવે. હું ભંગાર વીણીને જે મળે તેમાંથી બધાનું પુરુ કરુ...'
ગોવિંદ આ બધુ કહેતો હતો ત્યારે મારા રૃવાડાં ઊભા થઈ ગયા. હાલ એની ઉંમર 20 - 21ની હશે. આવડો નાનકડો ગોવિંદ હર્ષેદ કહે એમ મુછાળી મા બની ગયો.. આમ તો મુછોના દોરાય હવે ફૂટ્યા પણ એની આ નિસ્બતને પ્રણામ કરવા ઘટે.
આવા ગોવિંદને પેડલ રીક્ષા આપવામાં શ્રી રાજેશભાઈ મહેતા(મુંબઈ)એ મદદ કરી. તેમનો આભાર.
ગોવિંદને મળીને નીકળતા મે એને નાની રકમની બચત કરવા કહ્યું. મૂળ એની પાસે રહેવા પોતાનું ઘર નહીં. અમે એને રહેવા પ્લોટ મળે તે માટે સરકારમાં લખ્યું ને એને બાકરથળીગામમાં પ્લોટ મળ્યો. બસ ત્યાં એનું ઘર થવાનું. જો બચત કરીશ તો થોડા ઘણા ઘર બાંધવામાં તુ નાખી શકીશનું કહ્યું ને એણે તુરત કહ્યું, હું બચત હર્ષદભાઈને આપી દઈશ..
સાવ નીખાલશ.. હર્ષદ એને બચતના પાઠ શીખવશે...પણ ગોવિંદ જવાબદારીમાંથી મોંઢુ ફેરવાનાર વ્યક્તિઓ માટે ઉ.દા.રૃપ લાગ્યો. આમ તો એની ક્યાં કશીયે જવાબદરી હતી છતાં એણે સ્વેચ્છાએ મા બનવાનું સ્વીકાર્યું..
આવા ગોવિંદને પ્રણામ...
Comments
Post a Comment