શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા –સુરતના પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન

 શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા –સુરતના પાટોત્સવ પ્રસંગે  શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સંપન્ન


    ગમે તેટલા વ્યસત હોઈએ તો પણ પરિવારના બધા સભ્યોએ દિવસમાં એક વખત તો સાથે બેસીને ભોજન કરવું જ જોઈએ. - આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ


       મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા-સુરતના 13મા પાટોત્સવના બીજા દિવસે તા.20-02-2022 ને રવિવારે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણનું પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.



        આ પ્રસંગે આશીર્વાદ આપતા આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીના આદેશોનું પાલન કરવાથી આનંદમય, પ્રગતિમય અને સમૃદ્ધિમય જીવનની પ્રાપ્તિ માટે થશે જ. જીવનમાં પૈસાનું મહત્ત્વ છે, પરંતુ પૈસો સર્વસ્વ નથી. જો સાચી સમજણ આવશે નહીં, તો ગમે તેટલી સમૃદ્ધિ હશે તો પણ આનંદની અનુભૂતિ થશે નહીં. ગમે તેટલા વ્યસત હોઈએ તો પણ પરિવારના બધા સભ્યોએ દિવસમાં એક વખત તો સાથે બેસીને ભોજન કરવું જ જોઈએ. સાથે બેસીને ભોજન કરવાથી પરસ્પર પ્રેમ વધશે. કંઈક નાનો-મોટો ખટરાગ હશે તો દૂર થશે. 





    આજના પાવન અવસરે ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી કનુભાઈ ટેલર દર્શનાર્થે પધાર્યા હતા. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે પદ્મશ્રી કનુભાઈ ટેલરને પ્રસન્નતાની પાઘ પહેરાવીને સન્માન કર્યું હતું. પદ્મશ્રી કનુભાઈ ટેલરની સંસ્થા વધારે સેવાકીય કાર્યો કરી શકે તે માટે 50,000 રૂપિયાનો ચેક તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. 

પદ્મશ્રી કનુભાઈ ટેલરે આનંદ ઉદ્ગાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ.પૂ.આચાર્ય સ્વામીશ્રીમાં મને નીલકંઠવર્ણીના દર્શન થાય છે. એમના અમૃત વચનો સાંભળીને હું ધન્ય થયો છું. આ અવસર મારા જીવનનો અણમોલ અને અવિસ્મરણીય અવસર છે. વહાલા સ્વામીશ્રીએ મારા આમંત્રનો સ્વીકાર કર્યો અને આજે મારી સંસ્થામાં પધારશે તે મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે.

   આજે  શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવાર વતી ડૉ.ઘનશ્યામભાઈ જી. ટાંક અને શ્રી ધીરુભાઈ પટોળિયાનું પણ પાઘ અને સોનાની કંઠી પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સોનલ ધનજીભાઈ પટેલ (આર્ટિસ્ટ) દ્વારા ભક્તિભાવથી તૈયાર કરવામાં આવેલ પોટ્રેટ પ.પૂ.આચાર્ય સ્વામીશ્રીને રાજેશ ધામેલિયાએ અર્પણ કર્યું હતું. 

આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાનાં નાનાં બાળકોએ ભક્તિનૃત્ય રજૂ કર્યાં હતાં અને યુવાનોએ નાટક “સરનામું : સાચા સુખનું” રજૂ કર્યું હતું.   

       આવતીકાલે તા.21-02-2022 ને સોમવારે સવારે 8:00 કલાકે પાટોત્સવ વિધિનો પ્રારંભ થશે. શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડશોપચારથી પૂજન અર્ચન કરવામાં આવશે. ભાવિક ભક્તો આરતીના લહાવા લેશે. વચનામૃત ગ્રંથની પારાયણની પૂર્ણાહૂતિ થશે તેમજ આચાર્ય સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થશે. શ્રી ઘનશ્યામ મહારાજને ભક્તિભાવથી દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. 

   આ દિવ્ય અવસરે દર્શન,આશીર્વાદ અને પ્રસાદનો લહાવો લેવા પધારવા નગરજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. 

Comments