શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે મહારાણા પ્રતાપ પ્રા.શાળા, સુરતમાં 95% વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

 શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં 95% વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
  
    સરકારી શાળામાં પ્રથમ દિવસે બહુ ઓછા વિદ્યાર્થીઓ શાળાએ આવે, આ માનસિકતા દૂર કરવામાં શાળા પરિવારે સફળતા મેળવી.
    નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક – 272, નાના વરાછમાં પ્રથમ દિવસે 95% વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
    શૈક્ષણિક સત્રનો પ્રથામ દિવસ આનંદમય અને યાદગાર બની રહે એવું પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષિકા શ્રીમતી રેખાબહેન વસોયાએ સુમધુર કંઠે પ્રાર્થના ગવડાવી હતી. શ્રીમતી રેખાબહેન નાવડિયા, શ્રીમતી ચારુલતાબહેન ગોધાણી અને શ્રીમતી રાજશ્રીબહેન વાઘાણીએ બાલગીતો અને અભિનયગીતો ગવડાવીને બાળકોને આનંદિત કર્યા હતા. શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભાવથી આવકાર્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ વર્ષે લેવાયેલ NMMSની પરીક્ષામાં શાળાએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનારા શિક્ષકો : શ્રીમતી હર્ષાબહેન ભીમાણી, શ્રીમતી નયનાબહેન લાઠિયા, શ્રી ગીરીશભાઈ ગોધાણી અને શ્રી ચમનભાઈ ચોપડાને અભિનંદન પાઠવવામાં આવ્યા.
    ધોરણ – 1ના વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ પ્રથમ દિવસથી જ શરૂ થઈ જાય તે માટે આચાર્ય શ્રી મિતેશભાઈએ વેકેશન દરમિયાન વાલી મિટિંગનું આયોજન કર્યું હતું, જેમાં વાલીઓનો ખૂબ સહયોગ સાંપડ્યો હતો.  સરકારી શાળામાં પ્રથમ દિવસે બહુ ઓછા વિદ્યાર્થીઓ શાળાએ આવે, આ માનસિકતા દૂર કરવામાં શાળા પરિવારે સફળતા મેળવી છે.






Comments