તમે પણ આવા માવતરના પાલક બની શકો..

તમે પણ આવા માવતરના પાલક બની શકો..

મફાકાકા એક નાનકડી ઓરડીની બહાર પતરાનો થોડો છાંયડો પડે એમાં મેલું ઘેલું ધોતિયું પહેરી બેઠેલા. મજૂરી થતી હતી ત્યાં સુધી મજૂરી કરી. હવે કામ થઈ શકે તેવું શરીર અને ઉંમર નથી. પરિવારમાં કોઈ નથી જે એમની સંભાળ કરે. એ નોંધારા..

આ નોંધારા લખતા જ કાળજુ કંપી ઊઠે.. મફાકાકાને ગામના સૌ ખાવા આપે ક્યાંક પડોશી પણ સાચવી લે. પણ એ બધી ઓશિયાળી.
કાકાની ઈચ્છા પોતાનું કાયમી કોઈ ધ્યાન રાખે એવી. પણ એ કહે એમ, હું કોઈ પાસે કશું માંગુ નહીં. હું ભીખારી નથી. મન થાય ને લોકો મદદ કરે તો હું ના નહીં પાડુ પણ હું કોઈ પાસે માંગીશ નહીં...આટલું કહી કાકાએ સરસ સ્મીત આપ્યું જે ફોટોમાં જોઈ સકાય. મને કાકાની આ ખાનદાની બહુ ગમી.
અમારા રીઝવાનને મફાકાકાની સ્થિતિનો ખ્યાલ આવ્યો ને એ પહોંચ્યો એમની પાસે. દર મહિને રાશન આપવાનું અમે શરૃ કર્યું. કાકા પોતાની મેળે પોતાના જોગુ રાંધી લે. ક્યારેક કોઈ આપી જાય તો રાંધે નહીં. પણ એમણે કહ્યું હવે શાંતિ છે કોઈ સામે હાથ લાંબો નથી કરવો પડતો.
એમને ચા રોજ જોઈએ સાથે એ ચલમ પણ પીવે. ચલમ છોડો એવું ભાષણ કાકાને આ ઉંમરે ન અપાય. પણ એમને સરકારનું વૃદ્ધ પેન્શન મળતું હોત અને રાશનકાર્ડ પર રાશન મળતું હોત તો એમને ઘણી રાહત થાત.
કાકાના ઘરની નજીક એક દુકાન છે તે દુકાનવાળા ભાઈ બહુ દયાવાળા તે એ કાકાને દૂધ ને ક્યારેય અન્ય જરૃરી ચીજો પણ આપે..
પણ વૃદ્ધ પેન્શન મળે તે જરૃરી..અમે એ માટે કોશીશ કરીશું.
પણ કાકા જેવા માવતરોને જોઈને જીવ બળી જાય. ઘરમાં લાઈટ નથી. પતરા ચુવે છે..
સાથે એમની ઓરડી આગળ પતરાનું ઢાળિયું કરવાની જરૃર છે. જેથી એમને તડકાથી રાહત મળે.
હાલ VSSM થકી અમે આવા 270 માવતરોને સાચવીએ છીએ. દર મહિને રાશન આપીએ છીએ. તમે પણ આવા માવતરના પાલક બની શકો..
એ માટે 9099936013 પર સવારે 10 થી 6માં સંપર્ક કરી શકાય
અને 9099936013 પર પેટીએમ કરી શકાય.




Comments