મારા પપ્પા કમ દોસ્ત જ્યાદા !....
આજે સવારે વહેલા મમ્મીને ફ્લેટની બેનપણીઓ સાથે ડાકોર જવાનું હતું. તે સવારે 6 વાગે નીકળી ગઈ હતી. મારે પણ સવારે 7 વાગે ચાંગા કોલેજ જવાનું હોવાથી હું પણ વહેલો ઉઠ્યો હતો. ન્હાય ધોઈને કપડાં પહેરતા યાદ આવ્યું કે આજે તો ફોર્મલ ડે છે એટલે શર્ટ કાઢ્યો પહેરવા પણ શર્ટ પ્રેસ કર્યા વગરનો હતો. કપડાને પ્રેસ કરતાં આવડતું નથી. પપ્પા ઘણી વખત ટોકતા કે થોડું થોડું કામ કરતાં થાવ હોસ્ટેલમાં અને ભવિષ્યમાં કામમાં આવશે. ઘડીક તો ટેંશન થઇ ગયું કે શું પહેરીશ! પછી પપ્પા સુતા હતા તે તરફ નજર ગઈ તેઓ ઘસઘસાટ સુતા હતા. ત્યારે અમેરિકામાં રહેતી દીદી યાદ આવી ગઈ કે કાશ ! અહીંયા હોત તો કેટલું સારું હોત ! હિમ્મત કરીને વિશ્વાસ સાથે પપ્પાને ઉઠાડ્યા ને કહ્યું કે પપ્પા મારા શર્ટને પ્રેસ કરી આપજો. તેઓ ઊંઘમાં બોલ્યા અત્યારે કરવાની છે! મેં કહ્યું હા પપ્પા. આમ તો પપ્પાને ગળામાં કાયમ સોજો રહેતો હોવાથી સવારે બ્રશ કર્યા પછી જ અમારી સાથે વાત કરતા. પણ આજે તેઓ ઉઠ્યા ને એક પણ શબ્દ બોલ્યા વગર કબાટમાંથી શેતરંજી અને ઈસ્ત્રી લઈને ડાઇનિંગ ટેબલ પર ગોઠવીને શર્ટને ફટાફટ પ્રેસ કરી આપી અને ના છૂટકે બોલ્યા પેન્ટ? પણ નીચે નજર કરતાં જોયું કે પેન્ટ તો મેં ઓલ રેડી પહેર્યું હતું. આમ તો મોડે સુધી સુવાના હતાં, પણ પછી સુતા નહિ...
આવા છે મારા પપ્પા કમ દોસ્ત જ્યાદા !....
મારે તો રોજ હેપ્પી ફાધર ડે હોય છે
પપ્પાનો વિધુ ને મમ્મીનો ગિજુ
Comments
Post a Comment