મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જેઠ વદ અમાવસ્યા શ્રી સદ્‍ગુરુ દિન પ્રસંગે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાની ૭૨ મી વાર્તા જયંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ...

 મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જેઠ વદ અમાવસ્યા શ્રી સદ્‍ગુરુ દિન પ્રસંગે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાની  ૭૨ મી વાર્તા જયંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ .....

 

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં  જેઠ વદ અમાસના પાવનકારી પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૭૨ મી વાર્તા જયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. સવારમાં ધૂન, કીર્તન-ધ્યાનથી શ્રી સદ્‍ગુરુ દિનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાન સાથે આવેલા શ્રીજી સંકલ્પ સ્વરૂપ સદ્‍ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્‍ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી, સદ્‍ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદ્‍ગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી આદિ નંદ પદવીના હજારો સંતોએ અનેક વાતો કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી મહિમા, સર્વોપરી ઉપાસના, પતિવ્રતાની ભક્તિ, આજ્ઞા, નિશ્ચય વગેરે મુમુક્ષુઓને સમજાવવા સત્સંગમાં ગામેગામ અને દેશો દેશ ફરીને અજ્ઞાની જનોથી થતા અપમાન તિરસ્કાર, ગાળો સહન કરી, ઊંઘ - ઉજાગરો, ટાઢ - તડકો, ભૂખ - તરસ, રાત-દિવસ જોયા વગર કેવળ જીવોના કલ્યાણ માટે અનેક રીતે વાતો કરી મહાન ઉપકાર કર્યો છે.

 

વચનામૃત ગ્રંથ એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી, વચનોરૂપી અમૃતવાણી છે.  તેમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર એટલે શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા. જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાતો એટલે સર્વોપરી  શ્રી મુક્તજીવન સ્વામીબાપાની અનુભવની વાણી છે. આ બધી જ વાતો સર્વોપરી સિદ્ધાંતથી યુક્ત સબીજ એટલે કે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીનો સર્વોપરી મહિમા, સર્વોપરી ઉપાસના, આજ્ઞા અને ભગવાનની મૂર્તિમાં રહેવાની; તે પણ કેવળ બોલવામાં ન રાખતાં વર્તનમાં ઉતારવાની છે, વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં જવાની છે.

 

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે  શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના જીવનપ્રસંગોનું સંકલન કર્યું છે. આ વાતો સાદી અને સરળ ભાષામાં તેમ જ બહુ જ ઉચ્ચ કોટિનું તત્વજ્ઞાન તથા સર્વોપરિતાથી ભરપુર છે.  શાસ્ત્રોમાં કહ્યું છે કે, ભગવાન અને સત્પુરુષોની વાણી, લીલા, ચેષ્ટા તેમજ તેમની મૂર્તિ સર્વ મંગલમય અને કલ્યાણકારી છે. 

 

ભગવાનનું સુખ સ્થિર, ચિરસ્થાયી, અને આનંદ આપનારું છે. ભગવાનનું અવિરત સુખ સિદ્ધ અને તેમાં સ્થિતિ કેળવવા જ્ઞાનયજ્ઞ અને ધ્યાનયજ્ઞ જોઈએ તેના માટે શ્રી સદ્ગુરુ દિનનું માહાત્મ્ય છે. આ જ્ઞાનયજ્ઞ અને ધ્યાનયજ્ઞ એક દિવસ નહિ પરંતુ હંમેશા નિયમિત કરવું પડે તો જીવન આનંદમય પસાર થાય. જ્ઞાન કેળવવા માટે જ નિયમિત શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા સહ વચનામૃત, શ્રીજીસ્વયંમૂર્તિ શ્રી જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતો, શ્રીજીસંકલ્પમૂર્તિ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાતોનું વાંચન કરવાથી જ્ઞાન સિદ્ધ થાય અને તેની સાથે નિયમિત ધ્યાન પણ કરવું પડે તો ધ્યાન સિદ્ધ થાય અને નિયમિત કરવાથી જીવન સુખમય, શાંતિમય પસાર થાય તે માટે જ શ્રી સદ્ગુરુ દિનનું મહત્વ છે.

 

આવા મહાન સદ્ગ્રંથ "શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાતોની ૭૨ મી જયંતી" નું શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સંતો, સદ્ગુરુ શ્રી મહામુનિશ્વરદાસજી, સદ્ગુરુ શ્રી

 સર્વેશ્વરદાસજી સ્વામી, શ્રી દિવ્યસ્વરૂપદાસજી સ્વામી વગેરે મોટેરા સંતોએ પૂજન, અર્ચન કરીને આરતી ઉતારી હતી અને મહિમાગાન પણ કર્યું હતું. આજના પવિત્રતમ દિવસે શ્રી સદ્ગુરુ દિન, શ્રી મુક્તજીવન સ્વામીબાપા ૭૨ મી વાર્તા જયંતી પર્વનો અણમોલો લ્હાવો દેશ-વિદેશના હજારો હરિભક્તોએ લીધો હતો.

























Comments