વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઓફ એજ્યુકેશનમાં ‘ગુજરાતી – અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ પરિસંવાદ’ યોજાયો

 વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઓફ એજ્યુકેશનમાં 

‘ગુજરાતી – અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ પરિસંવાદ’ યોજાયો



શિક્ષકો જોડણી કોશનો ઉપયોગ કરતાં થાય અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપે તો ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઈ શકે.  –  રાજેશ ધામેલિયા


ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ સંલગ્ન, વી.ટી.ચોકસી સાર્વજનિક કૉલેજ ઓફ એજ્યુકેશન – સુરત બી.એડ્. કૉલેજના તાલીમાર્થીઓ માટે આજે ‘ગુજરાતી – અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ પરિસંવાદ’નું આયોજન ડૉ. પ્રવીણચંદ્ર પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ‘માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન’ના સંવાહક શ્રી રાજેશ ધામેલિયાએ તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. 



શિક્ષકો માતૃભાષાનું મહત્ત્વ સમજે અને યોગ્ય રીતે પ્રયોજે તો તેનો લાભ હજારો વિદ્યાર્થીઓને મળી શકે છે. આ વાતને કેન્દ્રમાં રાખીને આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી રૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે આપણે એવું વારંવાર સાંભળીએ છીએ કે, ગુજરાતી જોડણી ખૂબ અઘરી છે. ગુજરાતી જોડણી કરતાં અંગ્રેજી સ્પેલિંગ શીખવા સરળ છે. પણ આ વાત ભૂલ ભરેલી છે. ગુજરાતી જોડણીના કેટલાક નિયમો ખૂબ સરળ છે. વિવિધ ઉદાહરણો ગમ્મત સાથે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે તો, વિદ્યાર્થીઓને ખૂબ રસ પડે છે અને સહેલાઈથી સાચી જોડણી શીખી જાય છે. શિક્ષકો જોડણી કોશનો ઉપયોગ કરતાં થાય અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપે તો ખૂબ સુંદર પરિણામો પ્રાપ્ત થઈ શકે.”  


આ પરિસંવાદમાં ગુજરાતીની જોડણી અને અંગ્રેજીના સ્પેલિંગમાં રહેલી સમાનતા વિશે વિવિધ શબ્દો અને વાક્યોનું વાચન – લેખન કરાવીને રસપ્રદ સમજ આપવામાં આવી.

Comments