90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી 43.5 વીઘા જમીન

 90 વર્ષના નંદુબાની દાનવીરતાઃ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી 43.5 વીઘા જમીન



સૌરાષ્ટ્રની ભૂમિ સંતો, શૂરવીરો અને દાતાઓની ભૂમિ છે. આવા જ એક દાતા એટલે ધોરાજીના નાની પરબડી ગામના 90 વર્ષીય નંદુબા.. નાની પરબડી ગામના 90 વર્ષના નંદુબેન ડાયાભાઈ પાઘડારે પોતાની ઈચ્છા પ્રમાણે તેઓના ખાતે રહેલી 43.5 (સાડા તેતાલીસ) વીઘા જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે તારીખ 5 જૂન ને સોમવારના રોજ નંદુબેન પાઘડારે ચાલી ન શકતા હોવા છતાં સ્ટ્રેચર પર ધોરાજી સબ રજિસ્ટ્રાર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મામલતદાર સમક્ષ વસીયતનામું કરીને તેઓના ખાતે રહેલી 43.5 વીઘા જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી હતી. નંદુબાની આ દાનવીરતાને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ કોટિ કોટિ વંદન કરે છે. આ તકે શ્રી ખોડલધામ સમિતિ- ધોરાજીના સભ્યોએ સબ રજિસ્ટ્રાર કચેરી જઈને નંદુબાને મા ખોડલની છબી આપીને તેમની આ દાનવીરતાને વંદન કર્યા હતા અને તેઓને સન્માનિત કર્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે નંદુબાને ટ્રસ્ટ વતી લાખ લાખ અભિનંદન પાઠવ્યા છે અને આ નિર્ણયને સહર્ષ વધાવ્યો છે.

Comments