શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, વેડરોડ - સુરતમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો માટે “ગુજરાતી – અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ’ પરિસંવાદ યોજાયો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, વેડરોડ - સુરતમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો માટે “ગુજરાતી – અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ’ પરિસંવાદ યોજાયો



ગુજરાતી જોડણીના નિયમો ખૂબ સરળ છે. ઉદાહરણો સાથે નિયમ સમજવાથી હજારો શબ્દોની જોડણી ખૂબ સહેલાઈથી શીખી શકાય તેમ છે. – રાજેશ ધામેલિયા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, વેડરોડ- સુરતમાં માતૃભાષા ગૌરવ સંવર્ધન અભિયાન અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો માટે ‘ગુજરાતી-અંગ્રેજીનો તુલનાત્મક અભ્યાસ’ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા બાળકેળવણીકાર શ્રી રાજેશ ધામેલિયાએ માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારનો પ્રારંભ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો. ગુરુકુલના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયાએ માર્ગદર્શક શ્રી રાજેશભાઈ ધામેલિયાનો પરિચય આપ્યો હતો અને પૂજનીય દેવપ્રકાશ સ્વામીએ પુસ્તક દ્વારા ગુરુકુલ સ્વાગત કર્યું હતું.

સેમિનારની શરૂઆત લેખિત પ્રશ્નોત્તરી દ્વારા કરવામાં આવી, આ પ્રશ્નોત્તરીના આધારે ચર્ચા કરવામાં આવી.

આ અવસરે શ્રી રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતી જોડણીના નિયમો ખૂબ સરળ છે. ઉદાહરણો સાથે નિયમ સમજવાથી હજારો શબ્દોની ખૂબ જોડણી સહેલાઈથી શીખી શકાય તેમ છે. જોડણીના નિયમો ગોખાવવાના નથી કે વારંવાર લખવા આપવાની જરૂર નથી. વિદ્યાર્થી પાઠ્યપુસ્તક કે ચોતરફ જોવા મળતું લખાણ વાંચે ત્યારે તેને સહેજે નિયમ યાદ આવવો જોઈએ. શિક્ષણ નીતિ- 2022માં પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવા અને વિદ્યાર્થીઓની સ્કિલ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓની વિચારશક્તિ ખીલવે તેવા શિક્ષણની જરૂરિયાત છે.” 

ગુજરાતીની જોડણી અઘરી છે, ગુજરાતીમાં ખૂબ માથાકૂટ છે. ગુજરાતી જોડણી કરતાં અંગ્રેજી સ્પેલિંગ સહેલા છે. – આવું વારંવાર સાંભળવામાં આવે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિવિધ ઉદાહરણો સાથે સમજૂતી આપવામાં આવી. ગુજરાતી જોડણી - વ્યાકરણમાં અને અંગ્રેજી સ્પેલિંગ – વ્યાકરણમાં સમનાતા તેમજ ભિન્ન્તા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

સેમિનારના અંતે શિક્ષકોએ લેખિત અને મૌખિક પ્રતિભાવો આપ્યા હતા; તેમાં જણાવ્યું હતું કે, અગાઉ જાણી ન હોય અને વિચારી ન હોય તેવી ઘણી બાબતો શીખવા મળી. આવા સેમિનાર નિયમિત રીતે યોજાવા જોઈએ.





Comments