YHAI બીલીમોરા યુનીટનો આગિયાદર્શન (Firefly Show) નો કાર્યક્રમ

*તા. ૧૭-૧૮/૦૬/૨૦૨૩(શનિ – રવિ) નો બીલીમોરા યુનીટનો આગિયાદર્શન (Firefly Show) નો કાર્યક્રમ ૨૭ મેમ્બર્સની હાજરી સાથે સફળ રહ્યો. ચૌદશની કાજળઘેરી રાત્રે, ડાંગના ભયાવહ જંગલો વચ્ચે, અસંખ્ય આગિયાઓને એકસાથે અવર્ણનીય રીધમમાં ઝબુકતા જોવા એ જિંદગીનો અમૂલ્ય લાહવો છે. આકાશમાં સપ્તર્ષિ, મઘા (સિંહ), સ્વાતી, ચિત્રા (કન્યા), પારિજાત (વૃશ્ચિક) ના ઝગમગાટ સાથે જાણે જુગલબંદી જામી હોય તેવો જંગલનો માહોલ હતો. કોઈક કોઈક આગિયાઓએ તો જાણે પોતાની મસ્તીનો પાશ આપણને ચડાવવો હોય તેમ આપણા શરીર પર આવીને બેસે. બાળકો સાથે મોટેરાઓ પણ આશ્ચર્યચકિત!!!! કાન ફાડી નાખે તેવી નીરવતા વચ્ચે કુદરતને જરાય ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખીને ચાર-પાંચ કલાક સુધી કુદરતના એક અદભુત ખેલને સૌ ટ્રેકર મિત્રોએ મન ભરી માણ્યો.*

રાત્રે ડાંગી આદિવાસીના ઘરે બનેલું સાદું, સાત્વિક ભોજન પણ સૌ ટ્રેકર મિત્રોએ માણ્યું હતું. રાતવાસા માટે  આદિવાસીના ખેતરમાં જ ટેન્ટ નાંખી કેમ્પસાઈટ ઉભી કરી હતી.

બીજે દિવસે રવિવારે સભ્યોએ નદીમાં નહાવાનો શોખ પણ પૂરો કરી લીધો. પૂર્ણા નદીના છીછરા પાણીમાં બે કલાક મસ્તીની મજા નાના-મોટા સૌ ટ્રેકરોએ લુંટી લીધી. પછી વારો આવ્યો ઉંચાઈ સર કરવાનો. સાપુતારાની ઉંચાઈ એટલે કે આશરે ૨૭૦૦ ફીટની ઉંચાઈના કલમડુંગર સુધીની દિલધડક કાર રાઈડનો રોમાંચ ટ્રેકર મિત્રો ક્યારેય નહિ ભૂલી શકે. અને કલમડુંગર ઉપર વળી પાછો નાનકડો ટ્રેક. 

જંગલખાતાની અનુમતિની મુશ્કેલી હોવાથી આ કાર્યક્રમમાં સભ્યસંખ્યા ઓછી જ રાખવાનું અમે નક્કી કરેલ છે.  

રાત્રે આગિયાઓનો ઝબૂકતો નઝારો, દિવસે નદીસ્નાન અને ટ્રેકિંગ. બોલો YHAIના ટ્રેકરને બીજું કંઇ જોઈએ? 

Comments